News

Who is the king of internet

અમેરિકા અને રશિયા વચ્ચે અત્યારે સબંધ બગડેલા છે, બન્ને દેશો એકબીજાના કાઠલા પર હાથ નાંખી રહ્યા છે. અગાઉ પાંચ દાયકા સુધી અમેરિકા-રશિયા વચ્ચે હળાહળ દુશ્મની રહી છે. એ સમયગાળો ઈતિહાસમાં 'કૉલ્ડ વૉર' તરીકે ઓળખાય છે. એ વખતે અમેરિકા-રશિયા બન્ને દેશોએ ઘણા નવા સંશોધનો કર્યાં. એમાંનું એક સંશોધન 'ઈન્ટરનેટ' પણ છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગને એમ થયું કે બધી માહિતી એક જ સ્થળે કમ્યુટરોમાં હોય અને કાલ સવારે રશિયા ત્યાં હુમલો કરે તો? એક સાથે બધું ગુમાવવાનું થાય. એ માટે નવી સિસ્ટમ ઊભી કરવાનો વિચાર થયો. સંરક્ષણ વિભાગની જ 'એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (આર્પા)' તરીકે ઓળખાતી ટીમે એ વિકલ્પ પણ તૈયાર કરી આપ્યો. વિકલ્પમાં એવી સુવિધા હતી, જેનાથી એકબીજાથી દૂર હોય એવા બે કમ્પ્યુટર વચ્ચે પણ કમ્યુનિકેશન થઈ શકે, માહિતી લઈ-મોકલી શકાય. એક પ્રકારનું નેટવર્ક જે આર્પાએ ઉભું કર્યું હતુ એટલે નામ અપાયું 'આર્પાનેટ.'

રશિયાનું ૧૯૯૧માં વિભાજન થયું એ પછી કૉલ્ડ વૉર રહ્યું નહીં. માટે આર્પાનેટને અમેરિકી સરકારે લોકો માટે ખુલ્લું મુકી દીધું. ત્યારે તેનું નામ પણ બદલીને 'ઈન્ટરનેટ' થયું કેમ મૂળભીત રીતે એ ઈન્ટરનલ નેટવર્ક હતું. એ નેટવર્કનો ઉપયોગ લોકો કરી શકે એવી વ્યવસ્થા પણ ટીમ બર્નર્સ લી નામના એન્જિનિયરે કરી દીધી હતી. એ વ્યસ્થા એટલે વર્લ્ડ વાઈડ વેબ. નેટવર્કનું સાથે સામાન્ય વ્યક્તિનું જોડાણ વેબ (ડબલ્યુડબલ્યુડબલ્યુ) કરે છે.

હવે સપનાંની રાજકુમારીની માફક દિવસે ન વધે એટલું રાતે અને રાતે ન વધે એટલું ઈન્ટરનેટનું કદ વધતુ જાય છે. ડિસેમ્બર ૨૦૧૭ના આંકડા પ્રમાણે દુનિયાની ૫૫ ટકા વસતી નિયમિત રીતે ઈન્ટરનેટ વાપરે છે. દક્ષિણ ધુ્રવ ખંડ પર સંશોધન કેન્દ્ર બન્યા છે ત્યાં પણ ઈન્ટરનેટ છે, ૪૦૦ કિલોમીટર ઊંચે 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' પૃથ્વી ફરતે ઘૂમે છે ત્યાં પણ ઈન્ટરનેટ છે.

ન્યુઝિલેન્ડથી અઢી હજાર કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં 'ન્યુએ' નામનો ટાપુ દેશ છે. વિસ્તાર ૨૬૧ ચોરસ કિલોમીટર (અમદાવાદ શહેર કરતાં અડધો) અને વસતી પોણા બે હજાર લોકોની. એ આખો દેશ વાઈ-ફાઈ છે! ટૂંકમાં દુનિયાનો કોઈ દેશ બાકી નથી, જ્યાં ઈન્ટરનેટ પહોંચ્યુ ન હોય. ઈન-ફેક્ટ બધી કામગીરી જ ઈન્ટરનેટ આધારીત થતી જાય છે.

રોટી-કપડાં-મકાન પૈકી એકાદ વગર લોકો થોડો સમય ચલાવી શકે, પણ ઈન્ટરનેટ વગર ન ચાલે એવા યુગમાંથી દુનિયા પસાર થઈ રહી છે. હા, ભારત જેવા ઘણા દેશો છે, જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે બધે નેટ પહોંચી શક્યું નથી. પરંતુ તો પણ સતત વ્યાપ તો વધી જ રહ્યો છે. એટલે ૨૦૧૬માં જ 'સંયુક્ત રાષ્ટ્રસંઘે' ઈન્ટરનેટને માનવ અધિકાર ગણાવી, બધાને એ અધિકાર મળે એવી અપીલ કરી દીધી છે.

ફિનલેન્ડે ૨૦૦૯માં જ કાયદો પસાર કરી દીધો છે કે ફાસ્ટ બ્રોડબેન્ડ બધા નાગરિકોને મળે એ તેમનો મૂળભૂત અધિકાર છે. સરકાર એ અધિકારમાં કોઈ જાતનો કાપ મુકી શકશે નહીં. ભારતમાં ૨૦૧૭માં કેરળે પણ ઈન્ટરનેટને રાજ્યના નાગરિકોનો મૂળભૂત અધિકાર ગણાવી દીધો છે. એ પછી ત્યાંની સરકારે જે ૨૦ લાખ લોકો પાસે નેટ કનેક્શન ન હતું, તેમને મફત કનેક્શન મળે તેની કામગીરી શરૃ કરી હતી. અલબત્ત, ચીન, સાઉદી અરબ, ઉત્તર કોરિયા જેવા ઘણા દેશો છે, જ્યાં ઈન્ટરનેટ વપરાશના નિયમો આકરા છે. પરંતુ ઈન્ટરનેટ વગરના તો કોઈ નથી.

ઈરાન, ઉત્તર કોરિયા, વિએટનામ જેવા ઘણા દેશોએ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી રાખ્યો છે, પણ ત્યાં લોકો તેના કાળાબજાર કરી નેટનો ઉપયોગ કરે છે. પણ એ ઈન્ટરનેટ પર કોનો કાબુ છે? કોઈ દેશ તેની માલિકી ધરાવે? ફેસબૂક કે ગૂગલની માફક કોઈ વ્યક્તિઓ તેને કન્ટ્રોલ કરે છે? સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી કોઈ વૈશ્વિક સંસ્થાના તાબામાં ઈન્ટરનેટ આવે છે? આખા જગત પર રાજ કરતા ઈન્ટરનેટ પર આખરે કોનું રાજ છે? એ સમજવા માટે પહેલા તો ઈન્ટરનેટની વ્યાખ્યા સમજવી પડશે. રોજના ભલે આપણે એક ગીગબાઈટ (જીબી)નો વપરાશ કરી નાખતાં હોઈએ, પરંતુ તેની વ્યાખ્યા શું છે?

નામ પ્રમાણે ઈન્ટરનેટ એ કમ્યુટરોને જોડી રાખતું કદાવર નેટવર્ક છે અને હવે વૈશ્વિક બની ચૂક્યુ છે. આ નેટવર્કનું મૂળભૂત કામ કમ્યુનિકેશન કરવાનું છે. ઈન્ટરનેટની માફક આ વ્યાખ્યા પણ વિસ્તરતી જાય છે. જ્યારે શરૃઆત થઈ ત્યારે આપ-લે માટે કમ્યુટર સિસ્ટમ જ હતી. હવે સ્માર્ટફોન, સ્માર્ટ વૉચ, ટીવી, ફ્રીજ, કાર.. અનેક ગેજેટ્સ સાથે નેટ કનેક્ટ થાય છે. એટલે એમ કહી શકાય કે ઈન્ટરનેટ એટલે આખી દુનિયાના ગેજેટ્સને જોડી રાખતું નેટવર્ક, જેમાં નવાં નવાં ગેજેટ્સ સતત ઉમેરાતા રહે છે. આ વ્યવસ્થા એટલે કે ઈન્ટરનેટ પર કોઈનો કાબુ નથી અને સરકારી સંપત્તિની માફક કહીએ તો બધાનો કાબુ છે. પરંતુ હકીકતમાં કેટલીક એવી સંસ્થાઓ છે, જે મળીને સંયુક્ત રીતે ઈન્ટરનેટને કન્ટ્રોલ કરે છે.

ICANN
'આઈપી (ઈન્ટરનેટ પ્રોટોકોલ)' એડ્રેસ વગર નેટ કનેક્ટ થવાનું શક્ય નથી. એ રીતે 'ડોમેઈન નેમ (વેબસાઈટનું નામ)' વગર પણ ઈન્ટરનેટ આપણા માટે કામનું નથી. આપણે બધું ગૂગલમાં સર્ચ કરીએ છીએ, પણ 'ગૂગલ ડોટ કોમ' જ એક ડોમેઈન છે, એવી રીતે 'ફેસબૂક ડોટ કોમ' પણ ડોમેઈન છે. નામ એટલે ડોમેઈન અને નંબર એટલે આઈપી એડ્રેસ પર નજર રાખવાનું કામ 'ધ ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઈન્ડ નેમ્સ એન્ડ નમ્બર્સ (આઈસીએએનએન-આઈકન)' કરે છે. અમેરિકામાં ૧૯૯૮માં સ્થપાયેલી આ સંસ્થા ૨૦૧૬થી સાવ સ્વતંત્ર છે. એ પહેલા સુધી અમેરિકી સરકારનો તેના પર આડકતરો કાબુ હતો, હવે એ પણ નથી.

આઈકન ઈન્ટરનેટ પર કાબુ નથી ધરાવતી, પરંતુ તેને સલામત કરવા માટે શક્ય એટલા પ્રયાસ કરે છે. ઈન્ટરનેટનો વ્યાપ અને વપરાશ વધતો જાય એ સાથે નવી નવી નીતિ ઘડવાનું કામ પણ આ સંસ્થા કરે છે. ઈન્ટરનેટ સાથે સંકળાયેલી મોટા ભાગની સંસ્થાઓ સાથે આઈકનનું જોડાણ છે. આઈકનની અનેક પેટા સંસ્થા પણ છે, જે ઈન્ટરનેટના વિવિધ ફિલ્ડમાં કામગીરી કરે છે. કોઈ વ્યક્તિ નવી વેબસાઈટ બનાવે તો એ વેબસાઈટ અચૂક આઈકનમાં રજિસ્ટર થાય, સિવાય કે વેબસાઈટ ઓપરેટર તેની સાઈટ અત્યંત ખાનગી રાખવા માંગતા હોય. કેમ કે જે જાહેર છે એ બધુ આઈકન સાથે સંકળાયેલું જ છે. કોઈ વખતે મોટે પાયે વૈશ્વિક હેકિંગ થાય કે વાઈરસનો ત્રાસ ફેલાય ત્યારે એ નેટવર્ક આઈકનની બહારનું હોય એવુ બની શકે. તમારી વેબસાઈટ પાછળ ડોટ કોમ લગાડવું કે ડોટ ઓઆરજી એ અંતે તો આઈકનના હાથમાં છે. આખી દુનિયામાં પહોંચી વળવુ મુશ્કેલ થાય એટલે પાંચ 'રિજનલ ઈન્ટરનેટ રજીસ્ટ્રેશન(આરઆઈપી)' પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમ કે એશિયા માટે 'એશિયા-પેસેફિક નેટવર્ક ઈન્ફર્મેશન સેન્ટર' કામ કરે છે.

IAB
'ઈન્ટરનેટ આર્કિટેક્ચર બોર્ડ (આઈએબી)'નું કામ ઈન્ટરનેટનું આર્કિટેક્ટ એટલે કે વ્યવસ્થાતંત્ર જાળવવાનું છે. ઈન્ટરનેટની કામગીરી ટેકનિકલ છે. ટેકનિકલ અવરોધો ઈન્ટનેટના એક્સપ્રેસ પર સ્પીડ બ્રેકર બને એ જોવાનું કામ આઈએબીનું છે. એ રીતે ઈન્ટરનેટ એન્જિનિયરીંગનો વિકાસ થતો રહે એ પણ આ સંસ્થા જુએ છે. વિવિધ ઈન્ટરનેટ સાથે સંકળાયેલી કંપનીના કોઈ ટોચના અધિકારી જ આઈએબીના મુખિયા હોય છે. જેમ કે અત્યારે ગૂગલની સંશોધક ટીમના સભ્ય ટેડ હાર્ડી છે.

IETF
'ઈન્ટરનેટ એન્જિનિયરીંગ ટાસ્ક ફોર્સ (આઈઈટીએફ)' એ આખે આખી સ્વયંસેવકોથી ચાલતી સંસ્થા છે, જેનું કામ ઈન્ટરનેટના સ્ટાન્ડર્ડ એટલે ધારા-ધોરણ પર ધ્યાન રાખવાનું છે. જેમ કે અત્યારે ઈન્ટરનેટની દુનિયામાં 'ઓટોમોશન' અને 'ઈન્ટરનેટ ઑફ થિંગ્સ' એ બે વિકસી રહેલા કન્સેપ્ટ છે. આ બન્ને કન્સેપ્ટની કામગીરી બરાબર ચાલે, એ માટે જરૃરી સુવિધા ઉભી થાય એ બધુ વિચારવાનું, સમસ્યાના ઉકેલ શોધી કાઢવાનું કામ આઈએટીએફ કરે છે.

બાય ધ વે, ઓટોમોશન એટલે માણસને બદલે મશીન પાસેથી લેવાતું કામ, જેમાં માણસોની નોકરી પર ખતરો ઉભો થયો છે. જ્યારે આપણી આસપાસની દરેક ચીજ ઈન્ટરનેટ સાથે કનેક્ટ થવા લાગે એ સ્થિતિને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય. ઘરમાં બ્લુટૂથ સ્પીકર હોય, ફ્રીજ-એસીનું ઈન્ટરનેટ સાથે કનેક્શન હોય, મેઈલ ચેક કરવાનું કામ કાંડામાં રહેલી સ્માર્ટ ઘડિયાળ કરી આપતી હોય તો એ બધાનો સરવાળો એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ. નેધરલેન્ડના ૧૫ લાખથી વધુ ઉપકરણ ઈન્ટરનેટ સાથે કનેક્ટ છે. માટે દેશે પોતાને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ કન્ટ્રી જાહેર કરી દીધો છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો સત્તાવાર સ્વીકાર કરનારો એ પહેલો દેશ છે. પરંતુ એ કામગીરી કરી એ પહેલા સ્વાભાવીક રીતે નેધરલેન્ડે એન્જિનિયરીંગ ટાસ્ક ફોર્સની મદદ લીધી હતી.

INTERNET SOCIETY
૧૯૯૨માં સ્થપાયેલી આ સોસાયટી દુનિયાભરમાં લોકોને ઈન્ટરનેટની પ્રાથમિક સુવિધા મળી રહે એ માટે કાર્યરત છે. કોઈ સંસ્થા ખૂણે-ખાંચરે ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ કરતી હોય તો આ સોસાયટી તેને આર્થિક સહિતની તમામ મદદ કરે છે. ઈન્ટરનેટથી આપણી જિંદગીમાં સુખાકારીનો વધારો થયો છે, એ જાણીતી વાત છે. તો પછી જે લોકોને ઈન્ટરનેટ નથી મળતું તેમની સુખાકારીનું શું? તેમને પણ નેટ મળે એ માટે આ સંગઠન કાર્યરત છે. જ્યાં ઈન્ટરનેટ પહોંચી ચૂક્યુ છે, ત્યાં લોકોને ઈન્ટરનેટ જ્ઞાાન આપવાનું બીજું મહત્ત્વપૂર્ણ કામ પણ આ સોસાયટીએ માથે ઉપાડી લીધું છે. વર્લ્ડ વાઈડ વેબ કન્સોર્ટિયમ 'ડબલ્યુ૩' તરીકે ઓળખાતુ આ સંગઠન દરેક વ્યક્તિને વેબસાઈટ ઓપન કરવાનો અધિકાર આપે છે. વર્લ્ડ વાઈડ વેબના જનક ટીમ બર્ન્સ લીએ જ તેની સ્થાપના કરી છે. જેમ કે મોબાઈલ ફોનમાં વેબ અત્યારે તો સરળતાથી ખુલી જાય છે. પરંતુ જ્યારે શરૃઆત હતી ત્યારે વેબસાઈટને મોબાઈલ ફ્રેન્ડલી કેમ બનાવવી એ સમસ્યાનો ઉકેલ મેળવવાની જવાબદારી ડબલ્યુ-૩ જેવી સંસ્થાઓ પાસે આવી હતી. ગમે તે વ્યક્તિ પોતાની વેબસાઈટ તૈયાર કરી શકે એ આ સંસ્થાને આભારી છે.

GOVERNMENTS
વિવિધ દેશની પોતાની સરકાર પોતાની રીતે ઈન્ટરનેટના ધારા-ધોરણો નક્કી કરે અને રહે એટલો કાબુ રાખવાનો પ્રયાસ કરે. જેમ કે ભારતમાં ઓન-લાઈન શોપિંગની પ્રથા શરૃ થયા પછી તેનો સમાવેશ કઈ રીતે ગ્રાહક અધિકારમાં કરવો. ક્યા પ્રકારની વેબસાઈટ પર પ્રતિબંધ મુકવો.. વગેરે. જોકે સરકાર અમુક હદથી વધારે ઈન્ટરનેટ જાયન્ટ કંપનીઓ પર કાર્યવાહી કરી શકતી નથી. કેમ કે મોટા ભાગની કંપનીઓના સર્વર વિદેશની ધરતી પર હોય છે, જ્યાં સરકાર અને તેના કાનૂનના ગમે તેટલા લાંબા હાથ પહોંચી શકતા નથી.

૨૦૧૬ના માર્ચમાં અમેરિકામાં એક આતંકી હુમલો થયો અને તેમાં આતંકી માર્યો ગયો. તેની પાસે આઈફોન હતો. અત્યંત કડક સિક્યુરિટી ફિચર્સને કારણે આઈફોન બીજા કોઈથી ખૂલી ન શકે. એટલે અમેરિકાની સરકારી તપાસ સંસ્થા એફબીઆઈએ એપલને કહ્યું તે આ ફોન ખોલી આપો. એપલે ના પાડી કેમ કે કંપનીનો એવો નિયમ છે કે જ્યાં સુધી ફોનનો માલિક ન કહે ત્યાં સુધી અમે કોઈ સંજોગોમાં ફોન અનલોક ન કરી આપીએ. માલિક તો માર્યો ગયો હતો. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોવા છતાં એપલે અનલોક કરી ન આપ્યો અને અમેરિકી સરકાર એપલને ફરજ પણ ન પાડી શકી. એટલે છેવટે એફબીઆઈએ એક સિક્યુરિટી કંપનીને ૧૩ લાખ ડૉલર ચૂકવ્યા અને ફોન ઓપન કરાવ્યો. ટૂંકમાં ઈન્ટરનેટ જેમ વૈશ્વિક રચના છે, તેમ કાયદા પણ વૈશ્વિક છે. કોઈ દેશ તેના પર જોર-જુલ્મી કરી ન શકે. અમે ઝકરબર્ગને ખુલાસો આપવા બોલાવીશું એવુ કહેવારા કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદને આવી કોઈ જાણકારી ન હોય એ સમજી શકાય એવી વાત છે.

ફેસબૂકનો ડેટા લીક થાય કે પછી ગૂગલ દ્વારા કંઈક ગરબડ કરવામાં આવે (જે નિયમિત થતી જ હોય છે) ત્યારે ચર્ચા છેડાય કે ઈન્ટરનેટ પર સરકારનો કાબુ હોવો જોઈએ. પરંતુ હવે ઈન્ટરનેટ પર કોઈ કન્ટ્રોલ કરી શકે એવી સ્થિતિ રહી નથી. ઈન ફેક્ટ ઈન્ટરનેટે જ બધાને કાબુમાં લઈ લીધા છે. બીજી તરફ કેટલીક કંપનીઓની મોનોપોલી સ્થપાઈ ચૂકી છે એ પણ હકીકત છે. જેમ કે ગૂગલ.. સર્ચ કરવા માટે બીજા ઘણા સર્ચ એન્જિન હોવા છતાં ગૂગલનો જ દબદબો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઘણી હોવા છતાં ફેસબૂક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપનો જ દબદબો છે. એ દબદબાનો લાભ લઈને આ જાયન્ટ કંપનીઓ દુનિયાભરના યુઝર્સને બાનમાં લઈ શકે એમ છે. ધારો કે કાલ સવારે ગૂગલ પ્રત્યેક સર્ચ માટે ૧ ડૉલરની ફી નક્કી કરે તો? ૧ ડૉલર ચૂકવવા સિવાય બીજો વિકલ્પ છે?

ઈન્ટરનેટને બધી કામગીરીનો વિકલ્પ બનાવી દેવાયુ છે, જે માનવજાતને રોજ રોજ નબળી પણ પાડતું જાય છે. બધી વસ્તુનો ઓનલાઈન ઑર્ડર આપી શકાતો હોવાથી ખરીદી કરવા બહાર જવાનું જ ઘટી રહ્યું છે. બધુ જ્ઞાાન તો ઈન્ટરનેટ પર નથી, પરંતુ ઘણુખરું જ્ઞાાન નેટ પર છે, જેનાથી જગતની ૯૯ ટકા કરતાં વધુ વસતીનું કામ ચાલી જાય છે. પુસ્તકનાં પાનાં ફેરવીને જ્ઞાાન મેળવી શકાય એ ખ્યાલ પુરો થઈ રહ્યો છે. જોકે હાર્ડ ડિસ્ક કરપ્ટ થાય કે બધો ડેટા ઊડી જાય ત્યારે થોડી વાર પુરતું પુસ્તકનું, કે પછી ફોનનો ડેટા ગુમ થાય ત્યારે ફોન નંબરની ડાયરીનું મહત્ત્વ સમજાય. પરંતુ એ સ્થિતિ થોડી વાર પૂરતી જ રહે છે. કેમ કે લોકોએ સંપૂર્ણપણે પોતાની જિંદગી ટેકનોલોજીને અર્પણ કરી દીધી છે.
 

Contact Us